Friday, January 6, 2012

વાડો



એણે વર્ષોથી
વાડામાં જીવવાની
મને ફરજ પાડી છે
મેં કદી એનો વિરોધ નહોતો કર્યો
આજે સમયના શિલાલેખ પર
મારી ઉચ્છૃંખલ અભિવ્યક્તિઓ આલેખતી જોઈને
એ કહે છે, ‘તારી કવિતા એક વાડો  છે’
હું અપલક નજરે
એના ચહેરા પર વિસ્તરેલા
થોરનાં ઝુંડ નિહાળું છું.
થાય છે:
કમસે કમ હું રણ હોત
તો એનો ઉચ્છવાસ મને આટલો દઝાડી ન શકત.
ને વાંઝણીનાં મૃગજળ
મારી કૂખમાં ઉગાડી શકત
અથવા તો ઝેરી દુર્ગંધયુક્ત દૂધ હોત
એની નસોમાં બેરોકટોક વહી શકત અનંતકાળ લગી
ને બધાંનું લોહી લાલ હોવાના
ક્ષણભંગુર પુરાવા ઉભા કરવાની માથાકૂટમાંથી બચી શકત.
પણ હું બન્યો માણસ
ઉન્નત મસ્તક
આકાશ અને પૃથ્વી વચ્ચે ફેલાયેલા
શૂન્યાવકાશને ચીરતો અવાજ
જેના રુદનથી એ ભય પામ્યો
ને હાસ્યથી ક્ષોભ
વાડાબંધી સામેની મારી લડતને
એ પડકાર સમજ્યો પોતાના અસ્તિત્વ સામેનો
ને ફરી મને વાડામાં પૂર્યો
થોરનાં ઝુંડ સાફ કરવા ઉઠેલા મારા હાથને
હવે હું કેમ કરીને કહું,’ માણસને ખાતર તું જરા થોભ?’

નગર



નગર !
ભણ્યુંગણ્યું
ભર્યું ભેજામાં ભૂતકાળનું ભૂસું
વિસરી બેઠું વર્તમાનને.
હવે ભવિષ્યનો નિરક્ષર ખવીસ
વાંચે છે આ નગરને
સૂંઘે છે ક્યાં મળે માણસની બોટી.
કોટની રાંગેરાંગે
પોલ.શેરી,મહોલ્લાના પ્રાંગણે
ભમતો ખવીસ નગરમાં
ઝરૂખે બેઠું તર્કનું પોટલું
બુદ્ધિ બારસાખે
કમાડ બંધ
મગજ અંધ
ક્યાં મળે માણસની બોટી?
પૂછે ખવીસ.
હવા નિરુત્તર
સાક્ષર બેખબર
ચર્ચે પર્યાવરણ
લઠ્ઠા,જુગાર,હજારના જામે ભારણ,
નાત મસ્તક નગર,
ધૂળ ખાતા પુસ્તક જેવું
હતપ્રભ નગર
વીર્યહીન વૃષભ જેવું
સંવેદના ગરબા ગાતી ગુર્જરી
ઊજવે રોજ નરમાંસની ધૂળેટી .

એકલવાયો વિદૂષક
નાટકના કરૂણ અંતની રાહ દેખે
પોતડીભર
કરૂણાસભર
ચાર રસ્તાવચ્ચે
દૂધ,દહીં,અબીલ, ગુલાલ
કદીક સૂતરની આંટી
મહાજન સંસ્કૃતિની ઉત્કૃષ્ઠ પ્રણાલિકા?
હા,દરિદ્રનારાયણની દંભી વૈતાલિકા!
એકલપેટો નગરશ્રેષ્ઠી
આરોગે વિષ્ઠા વ્યાપારની,
અહિંસાપ્રચારની
 
ધર્મવિચારની ,
પ્રબુદ્ધ જનની,
સવિશેષ ધનની.
રે, ધન્ય નથી બની ગુર્જરજનની.
પિત્તળ સવર્ણ માણસ,
વિદ્યાધરોની સટ્ટાબાજી
વિદ્યાપીઠોમાં પ્રપંચની પટ્ટાબાજી.
સરસ્વતી સ્તબ્ધ.
જાણે છે ખવીસ
દફન થયા છે દરવેશ.
વિદ્યાના શ્વેત ભાલે અહીં ચોપડાઇ ચૂકી છે મેંશ.
એવોર્ડ,ઇનામ,સલામ
સાક્ષરતા  હલાલ
કલદારના કમીના કલાલ.
મુક્ત કલમ?
સ્વતંત્રતાનું કિલ્લોલતું પંખી?
ના, શાસકોની આઝાદીના ગાન,
એ જ મુક્તિનું ગનાન,
બસ,ટાઢુંબોળ સનાન...
ખવીસ કેડી સાફ કરીને
નગરના માથે નચાવે ટેંકોને
બખતરીયા ગાડી,
બંદૂકધારી,
ફૂલમાળા
સ્વાગત હો !
અપૂર્વ શાંતિના ચાહક હો!
બેયોનેટની આં
નગરને આપે શાણપણની પિછાણ

બુદ્ધિ બારસાખે
કમાડ બંધ
મગજ અંધ
સત્તાની સર્વવ્યાપી ગંદી ગંધ
થથરતા પારેવા જેવું દિલ ખોબામાં પકડી
નગર પંપાળે ઢીલું વીલું પૌરુષત્વ
ધોતીયા,સુટ,બુટ,સફારી ,બંડી
બેફીકરા,ઘમંડી.
ચૂપબસ,ચૂપ.
વાંચો અખબાર,વિચારો નહીં.
ટટ્ટી  કરો, પેશાબ નહીં.
ને દબાવેલી સ્પ્રીંગ ઊછળતી .
ઉપડે હાથ પથ્થર લેવા
દોડે પગ રક્ષણ લેવા
ઝંખે મન ઊંઘ લેવા.
પણ ક્યાંય નથી જળ ને ઉઠે કેમ તરંગ?
ક્યાંય નથી જમીન ને ફૂટે કેમ સુરંગ?
રંગીન તબિયત?
દંગાનું ડાયેટીંગ?
નિષ્ણાતો નાકામિયાબ?
તો પછી બોલાવો ગોળમેજી.
ટેબલ પર મૂકો નગરનો ચાળણી સરખો દેહ.
અશ્રુવાયુનો એકડો,
બેયોનેટનો બગડો,
કરફ્યુનો કક્કો,
સ્ટેબિંગ નો સગો.
દબાવો દુખતી તમામ રગો.
ચીમનીનો બંધ ધૂણો,
બેકારીનો ખૂણો,
ગરીબીની ગૂણો,
જલાવો બૂઝાતી તમામ શગો.
ખવીસના  ખૂનમાં ડુબાડી દો નગરની નિદ્રાને,
સાક્ષરોની તંદ્રાને,
બુદ્ધિની અનીદ્રાને.
ભૂતકાળનું ભૂસું ભૂલી
ઉગારો વર્તમાનને.
નહીંતર ભવિષ્યનો નિરક્ષર ખવીસ...